Friday, March 21, 2014

નરસિંહ મહેતા ના ભજન






નાનું સરખું ગોકુળીયું મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે [2]
બ્રહ્માદિકને સ્વપ્ને આવે આહિરને દર્શન દીધું રે
--
નાનું સરખું

ખટ દર્શનમાં ખોળ્યો લાધે મુનિજનને ધ્યાને ના આવે રે [2]
હાથ વલોવે નંદઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે
--
નાનું સરખું

વણકીધે વ્હાલો વરતાં કરે ને પુરણબ્રહ્મ અવિનાશી રે [2]
માખણ કાજે મહીંયારી આગળ ઊભો વદન વકાસી રે
--
નાનું સરખું

બ્રહ્માદિક જેનો પાર પામે શંકર કરે ખવાસી રે [2]
નરસૈયાનો સ્વામી ભક્તપણે વશ મુક્તિ કરીથી નાશી રે
--
નાનું સરખું



મહીંડા મથવાને ઊઠ્યાં જશોદારાણી

મહીંડા મથવાને ઊઠ્યાં જશોદારાણી
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણી

માતા રે જશોદા !તારા મહીંડા વલોવું
બીશો મા માતાજી ! ગોળી નહીં ફોડું
ધ્રુજ્યો મેરૂ ને એને ધ્રાસ્કો રે લાગ્યો
રવૈયો કરશે તો નિશ્ચે હું ભાંગ્યો
-- મહીંડા

વાસુકી ભણે મારી શી પેર થાશે ?
નેતરું કરશે તો જીવડો જાશે !
મહાદેવ ભણે “ મારી શી વલે થાશે ?
હવેનું હળાહળ કેમ રે પીવાશે?”
-- મહીંડા

બ્રહ્માદિ – ઈન્દ્રાદિક લાગ્યા રે પાય
”નેતરું મૂકો તમે ગોકુળરાય”
જશોદાજી કહે,” હું તો નવનિધ પામી”
ભક્ત વત્સલ મળ્યો નરસૈનો સ્વામી
-- મહીંડા

હું તો વારી ગિરિધરલાલ તમારા લટકાને

હું તો વારી રે ગિરિધરલાલ તમારાં લટકાને
બલિહારી રે નંદકુમાર તમારા લટકા રે

લટકે ગોકુળ ગાય ચરાવી લટકે વ્હાર્યો વંશ રે
લટકે દાવાનળને પીધો લટકે માર્યો કંસ
તમારા લટકાને
-- હું તો વારી રે

લટકે ગિરિવર ગોવર્ધન તોળ્યો લટકે પર્વતધારી રે
લટકે જળ જમુનામાં પેઠાં લટકે નાથ્યો કાળી
તમારા લટકાને
--હું તો વારી રે

લટકે વામનરૂપ ધરીને ઊભા બલિને દ્વારે રે
ત્રણ ચરણ પૃથ્વી જાંચીને બલિ ચાંપ્યો પાતાળ
તમારા લટકાને
--હું તો વારી રે

લટકે નરસિંહ રૂપ ધરીને પ્રહલાદને ઉગાર્યો રે
લટકે અસુરનર રૂપ ઉખેડી હિરણાકંસ વિદાર્યો
તમારાં લટકાને
-- હું તો વારી રે

લટકે રઘુવર રૂપ ધરીને પિતૃ આજ્ઞા પાળીને
લટકે રાવણ રણમાં રોળ્યો લટકે સીતા વાળી
તમારાં લટકાંને
-- હું તો વારી રે

એવાં એવાં લટકાં છે ઘણેરા, લટકાં લાખ કરોડ રે
લટકાળો મે’તા નરસીનો સ્વામી હીંડે મોઢા મોઢ
તમારાં લટકાંને
--હું તો વારી રે

અમે મૈયારા રે.. 

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ સહેવા, નઇ કેહવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
 

રામ સભામાં અમે

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં,
પસલી ભરીને રસ પીધો રે..
હરિનો રસ પુરણ પાયો..
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો જી,
બીજે પિયાલે રંગની રેલી રે..
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે.. રામ સભામાં..
રસ બસ એક રૂપરસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે..
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે,
તે મારા મંદિરીયામાં મ્હાલે રે.. રામ સભામાં..
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં,
અખંડ સૌભાગી અમને કીધાં રે..
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી રે.. રામ સભામાં..



નિરખને ગગનમાં

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે
નિરખને ગગનમાં….
શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી
નિરખને ગગનમાં….
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે
નિરખને ગગનમાં….
બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો
નિરખને ગગનમાં….
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને 

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત
નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત
ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

આજની ઘડી રે રળિયામણી 

આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી
જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.
જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.
જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.
જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.
જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.
જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.
જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.
 - નરસિંહ મહેતા

નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !

ભોળી રે ભરવાડણ 

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo


મેહુલો ગાજે ને માધવ નાચે

 

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.
પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.
ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..
મેહુલો ગાજે ને માધવ નાચે….
 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…
- નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને બાળા 

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ જળકમળ

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો જળકમળ

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીયો,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ જળકમળ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ જળકમળ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો જળકમળ

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે જળકમળ

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને જળકમળ

થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો જળકમળ
 



મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!
સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!
ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે!
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે!
રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે!
ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો….મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવું નામ રે!
હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા….મારું શામળશા શેઠ એવું નામ રે!
હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખાં કામ રે!

વા વાયા ને વાદળ ઊમટ્યાં

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.
તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.
તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.
તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.


ઘડપણ કેણે મોકલ્યું 

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.
નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.
નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.
પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.
નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.
એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.


નારાયણનું નામ જ લેતાં 

 

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.
કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.
પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.
ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.
- નરસિંહ મહેતા

મન તું શંકર ભજી લે.. 

મન તું શંકર ભજી લે, મન તું શંકર ભજી લે
છોડ ને કપટ ભોળાનાથને ભજી લે …………………. ટેક
કોણ ચઢાવે ગંગા જમુના, કોણ ચઢાવે દૂધ;
કોણ ચઢાવે બિલ્લી પત્ર, કોણ ચઢાવે ભભૂત ……… ૧
રાજા ચઢાવે ગંગા જમુના, રૈયત ચઢાવે દૂધ;
બ્રાહ્મણ ચઢાવે બિલ્લી પત્ર, યોગી ચઢાવે ભભૂત …. ૨
કોણ માંગે અન્ન ધન, કોણ માંગે પુત્ર;
કોણ માંગે કંચન કાયા, કોણ માંગે રૂપ …………….. ૩
ગરીબ માંગે અન્ન ધન, વાંઝિયા માંગે પુત્ર;
બ્રાહ્મણ માંગે કંચન કાયા, ગુણિકા માંગે રૂપ ………. ૪
આંકડાનો ભાત બનાવ્યો, ધંતુરાની ભાજી;
પીરસે રાણી પાર્વતી ને જમે ભોળાનાથ ………….. ૫
આંકડો ધંતુરો શિવજી, ભાવના છે ભોગી;
ભણે નરસૈંયો વહાલો, જૂનાગઢનો જોગી …………. ૬

કાનજી તારી મા કહેશે

               કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….
માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા….
ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…
- નરસિંહ મહેતા

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ 

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ



વૈષ્ણવજન તો

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રેવૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રેવૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રેવૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રેવૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રેવૈષ્ણવ જન





ભુતળ ભક્તિ પદારથ

ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે ભુતલ

હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે ભુતલ

ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે ભુતલ

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે ભુતલ

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે ભુતલ




ઊંચી મેડી તે મારા સંતની રે


ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો માલી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….


જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

 
 

 જ્યાં લગી આત્મા તત્વ
 
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લુંચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજલ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે,
શું થયું રાગ ને રંગ માણ્યે ?<
શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

 
સુખદુઃખ મનમાં ન આણીએ

 
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં ... સુખદુઃખ
નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી ... સુખદુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી ... સુખદુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી ... સુખદુઃખ
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લૂંટાણી ... સુખદુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી ... સુખદુઃખ
શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી ... સુખદુઃખ
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે ... સુખદુઃખ
સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી ... સુખદુઃખ


 
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા


 
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધ્યાવું રે,
તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી
અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,
દુર્વાસાએ માનભંગ કીધો રે,
મેં મારું અભિમાન તજીને,
દશ વાર અવતાર લીધો રે ... પ્રાણ થકી
ગજને માટે હું ગરુ઼ડે ચઢી પળિયો,
મારા સેવકની સુધ લેવા રે,
ઊંચ-નીચ હું કાંઈ નવ જાણું,
મને ભજે તે મુજ જેવા રે ... પ્રાણ થકી
લક્ષ્મીજી અર્ધાંગના મારી,
તે મારા સંતની દાસી રે,
અડસઠ તીરથ મારા સંતને ચરણે,
>
કોટિ ગંગા, કોટિ કાશી રે ... પ્રાણ થકી
સંત ચાલે ત્યાં હું આગળ ચાલું,
સંત સૂએ તો હું જાગું રે,
જે મારા સંતની નિંદા કરે,
તેને કુળ સહિત હું ભાંગુ રે ... પ્રાણ થકી
મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે,
તે બંધન નવ તૂટે રે ... પ્રાણ થકી
બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં હું નાચું રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો,
ભણે નરસૈયા સાચું રે ... પ્રાણ થકી


 
જાગીને જોઉં તો


 
જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ... જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી ... જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે ... જાગીને
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જ તું'
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા ... જાગીને


 
ધ્યાન ધર હરિતણું

 
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,
જે થકી જન્મનાં દુઃખ જાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે
માયા દેખાડીને મૃત્યુ વહાયે.


સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,
શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,
કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

પટક માયા પરી, અટક ચરણે હરિ,
વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું,
મૂઢ એ મૂળથી ભીંત કાચી.

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
લીંબુ લહેકાવતાં રાજ લેવું.

સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,
અવર વેપાર નહીં ભજન તોલે.

 
ધ્યાન ધર, ધ્યાન ધર

 
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન ધર

મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,
ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,
>
નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન ધર

મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,
ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,
ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે ... ધ્યાન ધર

સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,
દરસશે દેહીથી ભજન કરતાં;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે
કાપશે દુક્રિત ધ્યાન ધરતાં ... ધ્યાન ધર.
 


નાથને નીરખી
 
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;
પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.

અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

 
હળવે હળવે હળવે હરિજી

 
હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

ભાંગી ભાંગી ભાંગી મારા ભવની ભાવટ ભાંગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મહેતા નરસૈંયાનો સ્વામી રે.
 

  

1 comment:

  1. The casino: the games that made you feel a winner
    That's why we're releasing 동두천 출장안마 the best slots 삼척 출장마사지 games 문경 출장안마 to play today. 통영 출장안마 slots for you to 울산광역 출장마사지 enjoy the best, and the biggest games in the industry.

    ReplyDelete